આજનો વિદ્યાર્થી
આજના વિદ્યાર્થીની મૂંઝવણનો પાર નથી. જીવનની શરૂઆતમાંજ તેની આગળ આકરા સવાલો ઉભા થાય છે. અને એનો જમાનો પણ કેવો! કશુજ સ્થિર કે નિશ્ચિત ન મળે. ધાર્મિક, સામાજિક, લૈંગિક, આર્થિક,રાજદ્વારી બધા આદર્શો આજે નિર્દયપણે કસાય છે. જીવન દહાડે દહાડે જટિલ થતું જાય છે. ઘેર એક જાતની દુનિયા, ચોપડીઓમાં બીજી જાતની, શિક્ષણસંસ્થામાં ત્રીજી,સમાજમાં ચોથી અને મનોરાજ્યમાં વળી પાંચમી. આવી પંચવિધ દુનિયાના રહીશ થવું એ અઘરું છે.
આવી મૂંઝવણમાં માબાપની અથવા ગુરુજનની સલાહ લેવી એ સ્વાભાવિક રસ્તો છે. પણ માબાપોએ અને ગુરુજનોએ પોતાના અસ્વાભાવિક જીવનથી એ માર્ગ લગભગ અશક્ય કરી મુક્યો છે. માબાપો ઉપદેશ કરે છે એક જાતનો, કેળવણી આપે છે બીજી જાતની અને બાળકો પાસે અપેક્ષા રાખે છે ત્રીજાજ પ્રકારના જીવનની. આવી સ્થિતિમાં ઉઘાડી આંખોવાળો વિદ્યાર્થી શું કરે?
અને જો લોકો એના તરફ તટસ્થ ભાવે ઉદાસીન રહેત તોયે એ પોતાનું ફોડી લેત. પણ એને,’ભવિષ્યની આશા’ એ, લોકો સુખે કેમ બેસવા દે? ગામડામાંથી આવેલ મુસાફરને સ્ટેશન પરના ટાંગાવાળા જેમ ચોમેરથી ખેંચ્યા કરે છે તેમ ભવિષ્યકાળની ચિંતા રાખનાર બધા એને ખેંચે છે. એને જોઈએ છે કોઈ દોરનાર; પણ એના જીવનમાં રસ લેનારાઓ કાંતો એની ટીકા કરે છે, કાંતો ખુશામત કરે છે. ખુશામત બધાને પ્રિય હોય છે, તો વિદ્યાર્થીઓ એમાં તણાય તેમાં શું આશ્ચર્ય? પણ આખરે એ તેથીયે કંટાળી જાય છે.
મુંઝાયેલો વિદ્યાર્થી આખરે નિરાશ થઈને કહે છે,”હવે તો મારો રસ્તો હું જ શોધી કાઢીશ,અને તેમ કરતાં જે જોખમ વહોરવું પડે તે વહોરી લઈશ.”
વિદ્યાર્થીને ગુલામી સાલે છે. એ કહે છે, “ હું દેશની સ્વતંત્રતા ચાહું છું. એને અર્થે મારી તમામ મિલકત – મારા વિચારો,મારો ઉત્સાહ દેશને અર્પણ કરી દઉં.”
આવા ઉત્સાહમાં જયારે એ કઈ પણ પગલું ભરવા માંડે છે ત્યારે પ્રથમ એને ભાન થાય છે કે જ્યાં ત્યાં એને રોકનારા તત્વો સજ્જ છે. તેની સાથે સમભાવ રાખનાર કોઈજ નથી.પિતા તેની આગળ ‘કેરીઅર’ની વાતો કરે છે અને પિતાના મિત્રો તો “પિતાને નિરાશ કરવાને માટે” એ કપૂતની ઝાટકણી કાઢે છે.
આજે વિદ્યાર્થીને કોઈ પણ ખાસ વસ્તુ જોઈતી હોય તો તેની પોતાની સ્વતંત્રતા જાળવવા જેટલો સ્વાશ્રય, ખડતલપણું અને સમભાવ પૂર્વક દોરનાર કોઈ સજ્જન.
કાકા કાલેલકરઆજનો વિદ્યાર્થી

-કાકા કાલેલકર