તો ક્યાંક ખામી છે
સત્યનો આગ્રહ હતો પ્રથમથી જ. કોઈનો ડર ન રાખવો જોઈએ,એવી પણ માન્યતા. એટલે જે સાચું લાગે તે કહું, સાચું જ કહું. એમ પણ માનું કે સામો માણસ કંઇક ખોટો હોય છે એટલે સત્ય સહન કરી શકતો નથી, અને મારામાં તેને કટુતા દેખાય છે.
પછી અનુભવ ને આત્મનિરીક્ષણ ને અંતે મને એવી ખાતરી થઇ કે સત્ય જો મૃદુતાથી રજુ ન કરી શકાય અને સાંભળનારના ચિત્ત પર જો તેનો ધક્કો લાગે, તો આપનામાંજ કંઈક ખામી છે. ઊંડા ઉતરતા મને એમ પણ લાગ્યું કે સત્ય જો નિર્વિકાર ભાવે રજુ કર્યું હોય તો, સાંભળનાર એ પ્રમાણે વર્તે કે ન વર્તે, આપણી સચ્ચાઈ વિશે તો શંકા ન રહે અને તેમાં કઠોરતાનો અનુભવ ન થાય. ઘણીવાર માણસ ભયથી ખોટું બોલે છે અને તેને કારણે જ સત્યથી ભડકે છે તો, સામા માણસને આપનો ભય ન લાગવો જોઈએ. તે અમુક વાત કરશે કે અમુક રીતે વર્તશે, તો આપણે નારાજ થઈશું ને તેને જોઈતો લાભ નહિ મળે, એવું તેને થવું ન જોઈએ.આપણે બીજાથી ભય ન પામીએ, તેમ બીજાઓ આપણાથી ભય ન પામે, એવી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન હોવો જોઈએ.
સત્યને પ્રિય થવાની જરૂર નથી, એ માન્યતા બદલાઈ ગઈ છે. સત્ય જો પ્રિય ન થાય તો કયાંક ખામી છે, એમ સમજી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. હું જાગૃત રીતે પ્રયત્ન કરું છું; હજુ ઘણો પંથ કાપવાનો બાકી છે.
- મોરારજી દેસાઈ